Saturday, May 15, 2010

જિંદગી અને સાચા-ખોટા નિર્ણય

CHINTAN NI PALE by krishnakant Unadkat

જિંદગીને  જીવવાની  ફિલસૂફી  સમજી  લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
-મરીઝ

          જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહી શકાય કે, જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. નાના હોઈએ ત્યારે આપણે નાના નાના ડિસિઝન્સ લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે.
          પ્રેમ, દોસ્તી, લગ્ન અને કરિયર, આ ચાર બાબતો એવી છે કે જેના નિર્ણય આપણને આખી જિંદગી અસર કરતાં રહે છે. માણસને જો ખબર હોય કે મારો આ નિર્ણય મને તકલીફ કે દુ:ખ આપશે તો એ કોઈ દિવસ એવો નિર્ણય લ્યે જ નહીં. નિર્ણયની સૌથી મોટી તકલીફ જ એ છે કે નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય છે.
          માણસ કોઈ બાબતે નિર્ણય લ્યે અને તેનું પરિણામ આવે તેની વરચે ઘણો સમય વીતતો હોય છે. અમુક સંજોગો અને પરિસ્થિતિ જ ઘણી વખત એવા વળાંક લેતાં હોય છે કે માણસે ધાર્યું હોય કંઈ અને થઈ જાય સાવ જુદું જ. સાચી વાત એ હોય છે કે જે થવાનું હોય છે એ થઈ ગયું હોય છે. પરિણામ ભોગવવાનું હોય છે. પરિણામનું પોસ્ટમોર્ટમ કરીએ તો નિષ્ફળતાના કારણો સિવાય કંઈ હાથ લાગતું નથી. અનુભવ આપણને ઘણું બધું શીખવતો હોય છે એ વાત સાચી પણ અનુભવમાંથી હતાશા કે નિરાશા ન થાય એની ખાસ દરકાર રાખવી જોઈએ.
          નિર્ણયો વિશે સૌથી મોટી અને યાદ રાખવા જેવી વાત એક જ છે કે, આપણે લીધેલા નિર્ણયનો કોઈ દિવસ અફસોસ ન કરવો. કારણ કે આપણે જયારે કોઈ નિર્ણય લીધો હોય છે ત્યારે સારું વિચારીને જ લીધો હોય છે. ત્યારે એ નિર્ણય સાચો જ હોય છે. બનવા જોગ છે કે નિર્ણય લીધા પછી આપણે માનેલી, ધારેલી, ગણતરી મૂકેલી અને ઈરછેલી સ્થિતિ ન રહે અને પરિણામ સાવ જુદું જ નીકળે. દરેક નિર્ણય સાચો જ પડે એવું જરૂરી નથી.
          નિર્ણય ખોટો પડે તો તેમાં પણ ઘણી વખત આપણો વાંક હોતો નથી. સમય, સંજોગો અને પરિસ્થિતિ કાયમ એકસરખા રહેતા નથી, આ બધાના બદલાવની સીધી અસર આપણા નિર્ણયો પર પડે છે. સંજોગો અને પરિસ્થિતિ જો કારણભૂત હોય તો પછી આપણી જાતને દોષ દેવાનો કોઈ મતલબ રહેતો નથી.
          હમણાં એક ભાઈને મળવાનું થયું. એ ભાઈ પોતે લીધેલા નિર્ણયથી દુ:ખી દુ:ખી હતા. એમણે પોતાના નાનકડા ધંધા કરતાં કંઇક વધુ સારું-મોટું કરવાના ઇરાદે જોખમ લઇને મોટો ધંધો કરવાનો નિર્ણય કર્યો. પોતાનો નાનકડો ધંધો બંધ કર્યો. લાખો રૂપિયાની લોન લઈને મોટો બિઝનેસ શરૂ કર્યો. પોતાની ફેકટરી શરૂ કરી.
          ફેકટરીમાં બનતો માલ વિદેશ નિકાસ કરતાં હતા. આ ભાઈ પોતાના નવા ધંધાથી ખુશ હતા અને પોતે ઉઠાવેલું જોખમ સાચું હતું એવું માનતા હતા. અચાનક વૈશ્વિક મંદીના કારણે તેના કામને ફટકો પડ્યો. વિદેશથી મળેલા ઓર્ડર કેન્સલ થઈ ગયા. બેંકનું દેવું વધવા લાગ્યું. હપ્તા ભરવા અને ખર્ચ કાઢવાના ટેન્શનમાં દિવસનું ચેન અને રાતની ઊઘ હરામ થઈ ગઈ. હવે એ ભાઈ અફસોસ કરે છે. નાનકડાં ધંધાથી ખુશ હતો. જીવને શાંતિ હતી. હવે તો મારા ઘરના લોકો જ એવું કહે છે કે આવડું મોટું જોખમ લેતા પહેલાં વિચાર કરવો જોઈતો હતો ને! તેં કર્યું છે તો હવે ભોગવ!
          આવો અફસોસ હંમેશાં ગેરવાજબી હોય છે. નિર્ણય કર્યો હતો ત્યારે એ નિર્ણય સાચો જ હતો. લોકોની વાતોથી આપણે આપણાં નિર્ણયને કોઈ દિવસ ખોટો સાબિત ન કરી દેવો.આપણી પાસે થોડું હોય ત્યારે વધુ મેળવવા માટે આપણે જોખમ લેતાં હોઈએ છીએ. વધુ મળે પછી તેમાંથી થોડુંક ગુમાવીએ ત્યારે આપણે ચિંતા અને અફસોસ કરીએ છીએ. આપણે જેટલાં મોટા નિર્ણય કરીએ એટલાં જ મોટા પડકારો પણ સામે આવવાના જ છે. પડકારથી ડરી જવું નહીં. પડકાર ઝીલનારી વ્યકિત જ પરિણામ પોતાની તરફેણમાં કરી શકે છે.
          નિર્ણય ખોટો પડે ત્યારે માણસ હંમેશાં પોતાના નસીબને દોષ દે છે. કયારેક કોઈ કામમાં નિષ્ફળતા મળે ત્યારે નસીબને કોઈ દિવસ દોષ ન આપવો. આવા સમયે એક વાત યાદ રાખવી કે કોઈ નિષ્ફળતા કાયમી હોતી નથી. ઘણીવખત મોટી સફળતાનો માર્ગ નાની નાની નિષ્ફળતાઓના રસ્તેથી પસાર થતો હોય છે.
          નિર્ણય ખોટાં પડવાના ડરથી નિર્ણયો લેવાનું કેન્સલ ન કરવું કે મુલતવી ન રાખવું. તમારા નિર્ણયથી કદાચ સફળતા કે નિષ્ફળતા મળશે, પણ નિર્ણય નહીં લ્યો તો કંઈ જ નહીં મળે. સારું-નરસું વિચારીને આજે જે સાચો લાગે એ નિર્ણય લ્યો અને તમારા નિર્ણયનું ગૌરવ જાળવો. નિર્ણય કદાચ ખોટો સાબિત ઠરે તો એનો અફસોસ ન કરો. નિષ્ફળ નિર્ણયોમાંથી બહાર આવવા વધુ સ્ટ્રોંગ નિર્ણય કરો. માણસને અંતે તો તેના નિર્ણયો જ સફળ બનાવતા હોય છે.‘

છેલ્લો સીન :
You have always two options in life: (1) Accept (2) Change. Try to accept what you can’t change. Try to change what you can’t accept.

Contace : kkantu@gmail.com

8 comments:

જીજ્ઞેશ અધ્યારૂ said...

આદરણીય કૃષ્ણકાંતભાઈ,

સાવ સાચી ને સુંદર વાત, આપણા નિર્ણયોની સફળતા નિષ્ફળતાની જવાબદારી આપણી જ હોવી જોઈએ, સલાહ આપનારા ક્યારેય ઘટનાની જવાબદારી લેતા નથી. આપણી સફળતાની 100% જવાબદારી આપણે જ લેવી જોઈએ.

સરસ ચિંતન...

આભાર..

Vijay said...

સરસ ચિંતન!

આભાર..

DIVYADARSHAN D.PUROHIT said...

આત્મીય કૃષ્ણ કાન્તજી,
શ્રેષ્ઠ ચિંતન નવનીત છે લેખ માં.વાંચીને મન ને નવું બળ તથા શીતળતા મળે છે.
મારા ગુરુદેવ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા અચર્યાજી નાં થોડા સુવાક્ય મુકવાનો લોભ હું જતો કરી સકતો નથી.
(૧) મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે.
(૨) મનુષ્ય પરીસ્થીતીયો નો દાસ નથી તે તેનો નિર્માતા,નિયંત્રણકર્તા અને સ્વામી છે.
(૩)મન: સ્થિતિ બદલશો તો પરિસ્થિતિ બદલાશે.
(૪)સુખી થવાના બે ઉપાય છે.આવશ્યકતા ઓછી કરો અને પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડો.
દિવ્યદર્શન દ પુરોહિત
ગુરુદેવ Observatory,
વડોદરા

Mayur Unadkat said...

A good and thoughtful one. We can not/ must not blame others for what has happened. Nice one. Keep it up........

...* Chetu *... said...

થોડા દિવસ પહેલા જ આપનો આ લેખ અહીં લંડનના દિવ્યભાસ્કરમાં વાચ્યો .. આજે ફરી વાંચવો ગમ્યો .. ખુબ જ સરસ આલેખન અને ચિંતન ..!!

nishith said...

Dear Krishnkant bhai,

your all the articles give lots of courage and real meaning of life like this one. By heart each one of us knows/understand what your articles says. But we don't have skill to express in deeply manner that you have. thanks for your wonderful work. Very real article.Take care.

EKTU HI BHAROSA said...

TAMARA LEKH THI LIFE MA NAVO DRASHTIKON MALE CHE.

vrajlaxmi said...

સાહેબ આપના બધાજ લેખ બહુ સરસ હોય છે